વલસાડ: જિલ્લાના પારડીના મોતીવાડામાં ચકચારિત રેપ વિથ મર્ડરના ગુનામાં ઝડપાયેલા સિરિયલ કિલરની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. રિમાન્ડ દરમ્યાન આરોપીએ વધુ એક હત્યાનો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી 6 હત્યાના ભેદ ઉકેલાયા છે. મોટે ભાગે ટ્રેનમાં જ મુસાફરી દરમ્યાન છ હત્યાઓને અંજામ આપનાર આરોપીને લઈ સનસનીખેજ હકીકતો બહાર આવી રહી છે.
સિરિયલ કિલરની 10 દિવસમાં ધરપકડ
બનાવની જો વિગતવાર વાત કરીએ તો, વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડામાં ગઈ 14મી નવેમ્બરના રોજ ટ્યુશનથી ઘરે પરત આવતી એક કોલેજીયન યુવતીની દુષ્કર્મ બાદ હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. ગુનાની ગંભીરતા જોઈ વલસાડ જિલ્લા પોલીસની 10 થી વધુ ટીમો આરોપીને ઝડપવા કામે લાગી હતી. આખરે પોલીસને દસ દિવસ બાદ સફળતા મળી હતી. આ ગુનામાં વલસાડ જિલ્લા પોલીસે મૂળ હરિયાણાના રોહતકના રાહુલ સિંગ જાટ નામના એક આરોપીની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ કરી હતી.
વલસાડમાં સિરિયલ કિલરની તપાસમાં મોટો ખુલાસો
મોતીવાડામાં રેપ વીથ મર્ડર કેસની તપાસમાં મોટો ખુલાસો#News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate pic.twitter.com/c0QbhODHjh— News18Gujarati (@News18Guj) December 3, 2024
લૂંટના ઇરાદે વડોદરામાં અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા
જોકે આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં આરોપીએ 25 દિવસમાં પાંચ હત્યાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં તેણે ત્રણ મહિલાઓના દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાનો પણ ચોકાવનારો ખુલાસો થયો હતો. આરોપી 10 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ હતો. આ દરમ્યાન પણ અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે. જે મુજબ આરોપીએ જૂન મહિનામાં વડોદરાના ડભોઇમાં એક અલ્પદ્રષ્ટિ યુવકની કરેલી હત્યાના ગુનાનો પણ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. સીરીયલ કિલર આરોપી રાહુલ સિંહ જાટે જૂન મહિનામાં ટ્રેનમાં પોતાની સાથે મુસાફરી કરતા એક ફૈયાઝ શેખ નામના યુવકની લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું પણ બહાર આવ્યું છે. આથી પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
VIDEO: ધોરાજીની અનોખી શાળા, વિદ્યાર્થીઓ વગર 10 વર્ષથી સ્કૂલ કાર્યરત, ગામના લોકોએ કર્યા ગંભીર આક્ષેપ
મહિલાઓ સાથે દુષ્કર્મ આચરી હત્યા
વલસાડ પોલીસની અત્યાર સુધીની તપાસમાં સીરીયલ કિલર આરોપી રાહુલ સિંહ જાટે કરેલી છ હત્યાઓના ગુનાના ભેદ ઉકેલાયા છે. જોકે હજુ આ સિરિયલ કિલર આરોપી પોલીસ પાસે રિમાન્ડ હેઠળ છે. જેથી આગામી સમયમાં અનેક ચોંકાવનારી હકીકત પણ બહાર આવી શકે છે. આરોપી રાહુલ સિંહ જાટ દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં દિવ્યાંગના સ્પેશિયલ કોચમાં તે મુસાફરી કરતો હતો. આ દરમ્યાન ટ્રેનમાં જ મુસાફરી કરતી વખતે મોટે ભાગે જે તે ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓની લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની અને ત્રણ મહિલાઓ પર દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી હોવાનો પણ તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
આરોપી સામે 13 થી વધુ ગંભીર ગુના નોંધાયેલા
પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી દેશના અનેક રાજ્યોની જેલોમાં પણ રહી ચૂક્યો છે. અત્યાર સુધી તેના પર 13 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેથી અનેક વખત જેલવાસ ભોગવી ચૂકેલો આરોપી ફરી ટ્રેનમાં સવાર થઈ અને એક નવા ગુનાને અંજામ આપતો હોવાનું પણ બહાર આવ્યું છે.
આ પણ વાંચો:
VIDEO: ભાવનગરમાં દેશી દારૂના અડ્ડા પર જનતાની રેડ, સ્થળ પર જોવા જેવી થઈ
આરોપીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા પોલીસે દિવસ-રાત દસ દિવસ સુધી કરેલી તપાસના અંતે મોતીવાડાના આ રેપ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. જેમાં હજુ પણ આરોપી પોલીસના રિમાન્ડ હેઠળ છે. જેથી આગામી સમયમાં આ સિરિયલ કિલર આરોપીએ આચરેલા વધુ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
