સુરત: શહેરમાં ચપ્પુની અણીએ રાહદારીઓને આંતરી લૂંટ કરનાર ગેંગને સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આ આરોપીઓ ચપ્પુની અણીએ રાહદારીઓને આંતરી લૂંટ કરતા હતા. જોકે સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમ દ્વારા આ ગેંગના કુલ 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી 8 મોબાઈલ ફોન અને બે બાઈક જપ્ત કરી છે. પોલીસ તપાસમાં બે ગુના ડિટેક્ટ થયા છે.
આરોપીઓ પાસેથી 8 મોબાઈલ મળી આવ્યા
બનાવની જો વિગતવાર વાત કરીએ તો, સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમ ફૂડસદ ગામ પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ નજીક કારેલી ગામ તરફ જતા છેડા પાસે વાહન ચેકિંગની કામગીરી કરતી હતી તે દરમ્યાન બે બાઈક પર ચાર ઈસમો શંકાસ્પદ જણાતા તેઓને રોકીને પોલીસે તપાસ કરી હતી. પોલીસે આરોપીઓ 41 હજારની કિંમતના અલગ અલગ કંપનીના 8 મોબાઈલ ફોન તેમજ 1.20 લાખની કિંમતની બે બાઈક મળી કુલ 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાચો:
વલસાડ: મહિલાઓ સાથે દુષ્કર્મ આચરી હત્યા કરતો, 6 લોકોનો હત્યારો ઝડપાયો, પૂછપરછમાં થયો ખુલાસો
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ગુનો કબૂલ કર્યો
પોલીસે મોબાઈલ અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ના હતો તેમજ આરોપીઓ વિશે તપાસ કરતા તે ગુનાહિત ઇતિહાસ જણાઈ આવતા પોલીસે કડક પૂછપરછ કરી હતી જેમાં આરોપીઓએ કીમ તથા કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ચપ્પુની અણીએ મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ કીમ તથા કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં કીમ પોલીસે ચારેય આરોપીઓનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે શંકાસ્પદ હાલતમાં આરોપીઓને ઝડપી પાડ્યા
આ આરોપીઓના નામ અનુરાગ રાજુસિંગ રાજપૂત (ઉ.19), શિવમ ઉર્ફે રાઈડર શશીકપુર શર્મા (ઉ.20), જતીન ડાહ્યાભાઈ મકવાણા (ઉ.24), આયુષભાઈ દિનેશભાઈ ચતુર્વેદી (ઉ.20) હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પીઆઈ પી.એચ.જાડેજાએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કન્યાસી ગામે થોડા દિવસો અગાઉ લૂંટનો બનાવ બન્યો હતો જેમાં કીમ પોલીસ અને જિલ્લા એલસીબી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી દરમ્યાન સુરત જિલ્લા એલસીબીની ટીમે ઓલપાડ તાલુકાના ફૂડસદ ગામના ઓવર બ્રિજ નીચેથી બે બાઈક પર ચાર ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.
આ પણ વાચો:
VIDEO: ધોરાજીની અનોખી શાળા, વિદ્યાર્થીઓ વગર 10 વર્ષથી સ્કૂલ કાર્યરત, ગામના લોકોએ કર્યા ગંભીર આક્ષેપ
પૂછપરછમાં આરોપીઓએ ગુનો કબૂલ કર્યો
ઉલ્લેખનીય છે કે જ્યારે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે તેઓએ કીમ તથા કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આરોપીઓ પાસેથી 8 મોબાઈલ અને બે બાઈક મળી કુલ 1.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓનો કબજો કીમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને કીમ પોલીસે આગળની કાર્યવાહી કરી રિમાન્ડ મેળવ્યા છે. જોકે હાલ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
