પ્રામાણિક વ્યક્તિ સાચા અર્થમાં શૂરવીર ગણાય છે.
પ્રામાણિકતાનો માર્ગ કોઈ ‘રાજપથ’ નથી, પણ મનની દઢ પવિત્રતાથી તૈયાર કરવાનો ‘કર્મપથ’ છે.
Be honest!
જે સમાજ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કે દેશમાં પ્રામાણિક માણસોની સંખ્યા વધુમાં વધુ હોય તે દેશ ધર્મનિષ્ઠ અને શ્રેષ્ઠ રાષ્ટ્રપ્રેમી ગણાય.
આજની વિશ્વના પ્રામાણિક દેશોની યાદીમાં ભારત દેશનું સ્થાન ટોપ ટેન તો શું ટોપ ૫૦માં પણ સ્થાન પામી નથી શક્યો જેનું કારણ આપને સૌ હોઈ શકીએ. ટોપ ટેન માં એવા દેશો છે કે જયાં સંસ્કૃતિ અને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી રાષ્ટાયમ સર્વોપરી છે. કદાચ સરકાર યથાર્થ પ્રયત્નો કરે પણ દેશના નાગરિકો જ પ્રામાણિક પ્રયત્નો નહિ કરે ત્યાં સુધી આવું જ રહેશે.
સતયુગ કોઈ યુગ વિશેષનું નામ નથી, પણ સત્યને માર્ગે ચાલતા, જીવતા અને સત્ય ખાતર સર્વસ્વનું બલિદાન આપવા તત્પર માનવીઓની મહાનતાનું નામ છે. સતયુગને પણ પ્રામાણિકતાનો યુગ કહીએ તો ખોટું ન કહી શકાય.
પ્રામાણિક શબ્દ સાચું, ઈમાનદાર એવો ભાવ પણ સૂચવે છે.પ્રામાણિકતા એટલે નીતિમય જીવન, આચાર-વિચારની શુદ્ધતા, પવિત્રતા. પ્રામાણિકતા એટલે નિજસ્વાર્થનો ત્યાગ કરી સંપૂર્ણ સાચો વ્યવહાર કરવો અને સ્વાભિમાન ભેર જીવન જીવવું. પ્રામાણિકતા એટલે હકનું, નીતિથી, પરસેવો પાડીને લેવું, મેળવવું, ભોગવવું. જે મન, વચન, કર્મ, વાણી, વ્યવહાર અને વર્તનમાં સત્ય અને પવિત્રતાનો સતત ખ્યાલ રાખે તો સાચો નેક કે પ્રામાણિક કહેવાય છે.
માણસ ‘નીતિવાન’ હોવો જોઈએ, એનો અર્થ છે કે તેનામાં અભયતા, મૃદુતા, સત્ય, સરળતા, કરુણા, ધર્મ, અનાસક્તિ, સ્વાવલંબન, પોતાની જાત પરનો કાબૂ, સહિષ્ણુતા, કર્તવ્યનિષ્ઠા, પરિગ્રહનો અભાવ, અને પ્રામાણિકતા જેવા શ્રેષ્ઠ અને પવિત્ર ગુણો હોવા જોઈએ. પ્રામાણિક વ્યક્તિ સાચા અર્થમાં શૂરવીર ગણાય છે. એટલે જ કહેવાય છે કે યુદ્ધ જીતવાથી કોઈ શૂરવીર નથી બની જતો, કારણ કે યુદ્ધ તો છળકપટથી પણ જીતી શકાય છે.
પ્રમાણિકતા બજારમાં વેચાતી નથી, પણ સત્ય દ્વારા એનો વિનિમય થઈ શકે છે. સદાચારની બેંકમાં એ સુરક્ષિત રહી શકે છે. ‘ભગવદ્ ગોમંડલ’ ભાગ-૬માં પ્રમાણ’ શબ્દના ૫૪ અર્થ આપવામાં આવ્યો છે. પ્રામાણિકતા એ સત્યનિષ્ઠ વ્રત છે, અને તે ત્યાગ, બલિદાન, પવિત્રતા, પરોપકાર, સૌજન્ય, સેવાભાવ અને મનની શુદ્ધિ વગર સિદ્ધ થઈ શકતું નથી.
પ્રામાણિક વ્યક્તિનું કોઈ મૂલ્ય હોતું નથી તે અમુલ્ય હોય છે. પ્રામાણિકતા એક એવી શક્તિ છે જેનાથી ભ્રષ્ટ વ્યક્તિઓ ડરે છે અને પ્રામાણિકતા વ્યક્તિનો જનસમૂહ પણ નાનો હોય છે એટલે તેની સ્પર્ધામાં લોકો ઓછા હોય છે. પ્રામાણિકતા એ સંસ્કારનું જમા પાસું છે. સંસ્કારોની શ્રેણીમાં પ્રામાણિકતા
શ્રેષ્ઠ લક્ષણ સાબિત થાય છે. પ્રામાણિકતા પણ સત્યનો પર્યાય કહી શકાય છે. પ્રામાણિકતા પર કોઈ જ્ઞાતિ, જાતી કે ધર્મનું વર્ચસ્વ નથી એતો મનથી સ્વંભુ જ જાગૃત બની શકે છે. સાચા અને પ્રામાણિક કર્મચારીઓની પરખ કરવા સરકારે પણ દર વર્ષે એક ખાસ એવોર્ડની પણ જાહેરાત કરવી જોઈએ અને તેની કમિટી દ્વારા સતત પરખ પણ થતી રહેવી જોઈએ જેથી આવનારી પેઢીને પણ સમાજ સમક્ષ ઉત્તમ ઉદાહરણો રજુ કરી શકે. એવું પણ નથી કે લાંચ ન લેનારો વ્યક્તિ પ્રામાણિક જ હોય! કોઈ સંસ્થા કે કચેરીમાં યોગ્ય રીતે ફરજ ન નિભાવનાર, કામ ચોરી કરનાર વ્યક્તિ તેમજ દેશની ફરજો પાલન ન કરનારા નાગરિકો પણ અપ્રામાણિકતાની વ્યાખ્યામાં આવે છે. અમુક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે ઈમાનદાર અને પ્રામાણિક વ્યક્તિને સરકાર કે સમાજ આવા વ્યક્તિના ઈરાદાઓને ઠેસ પહોંચાડે છે અને પ્રામાણિકતાના સિદ્ધાંતો પર પાણી ફેરવી દે છે. અમુક કિસ્સાઓમાં સરકારને પણ આવા ઈમાનદાર અને પ્રામાણિક વ્યક્તિની જર પડે છે જેમકે આઈપીએસ શ્રીહસમુખ પટેલ જેમણે પોતાના સિદ્ધાંતો પર
હંમેશા અડગ રહ્યા છે. તેમણે પોલીસ ભરતી બોર્ડમાં પણ ઉમદા કાર્ય કરી સરકારની વાહવાહી કરી બતાવી અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી સરકારની પ્રતિભા વધારી હતી.
એવો પણ ખ્યાલ આવે કે પ્રામાણિકતા ટકાવી રાખવા શું કરવું? આજીવન પ્રામાણિક રહી શકાય? આવી પ્રામાણિકતા કે સત્યનિષ્ઠા કેવી રીતે ટકાવી શકાય? કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે પ્રામાણિક ન હોય શકે? પ્રામાણિકતાનો પણ યોગ્ય માપદંડ હોય શકે!. જીવનમાં કઇંક એવા સિદ્ધાંતો હોય છે જેને કારણે કઇંક અંશે પ્રામાણિકતા છોડવા મજબુર બને છે. જેની પાછળ અમુક પરિબળો કામ કરતા હોય છે છતાં પ્રામાણિકતાને વળગી રહેવું જોઈએ. એવું પણ નથી કે શિક્ષિત વ્યક્તિ જ પ્રમાણિક હોય! અને અમુક કિસ્સામાં એવું પણ બને છે કે શિક્ષિત વ્યક્તિ જ ભ્રષ્ટાચાર વધુ આચરે છે. કારણ કે એવા વ્યક્તિની કથની અને કરણીમાં અંતર હોઈ શકે! કેવળ ધનદાન આપવાથી કોઈ દાની નથી બની શક્તો. કારણ કે દાન પાછળ પ્રતિષ્ઠા અને કીર્તિની લાલસા પણ જોડાએલી હોઈ શકે!
માણસે પાયાની એ વાત યાદ રાખવી જોઈએ કે તેનું મન જ તેનો મિત્ર છે અને મન જ તેનો શત્રુ મન માણસમાં કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર એટલે કે અદેખાઈ ઉત્પન્ન કરે છે એટલે મનના નિગ્રહ અથવા નિયંત્રણ માટે સંયમ કેળવવો, અનાસક્તિ દ્વારા લોભ-મોહથી મુક્ત રહેવું, સત્સાહિત્યનું વાંચન કરવું, પવિત્ર સાધુ
સંતોના જીવનનું પ્રેરણાત્મક અધ્યયન કરવું, અર્થલોભ, પ્રશંસા અને દંભથી બચવું, સેવા પરોપકાર, સાદગી, સર્વધર્મસમભાવ, પરમ તત્વમાં અખૂટ શ્રધુધા, નિસ્વાર્થ પ્રેમ, નિર્દભતા અને કથની-કરણીમાં એકતા ન હોવી તથા વાસ્તવિક જીવનમૂલ્યોનું મન-વચન-કર્મથી પાલન ન કરવું મતલબ કે એક આદર્શ માનવને છાજે તેવું વર્તન, મન-વચન-કર્મથી શુદ્ધ વ્યક્તિ પ્રમાણિક ન રહી શકે. સંસારમાં રહેવા છતાં સ્વાર્થના સંસારને અંદરથી પાળવા-પોષવાની વૃત્તિ માણસને અપ્રામાણિક બનાવે છે એટલે ‘સ્વાર્થીચાર’ને બદલે ‘સદાચાર’ના પાલક બનવાથી જ પ્રામાણિક રહી શકાય છે.
ધાર્મિક પુસ્તકોમાં પણ પ્રામાણિક્તાના પરચા પૂર્યા છે. ‘સત્યનારાયણ’ની વ્રત કથામાં સત્યવ્રતનું પાલન કરી આત્મોદ્ધાર પામનાર સત્યવ્રતીઓ એટલે કે પ્રામાણિક વ્યક્તિઓની કથા આલેખવામાં આવી છે. રાજા જનક સંસારી હતા, છતાં ‘વિદેહી’ કહેવાતા કારણ કે તેઓ શાાની અને મન-વચન-કર્મથી પરિશુદ્ધ અને અનાસક્ત હતા. સંત જલારામ બાપા રાજા હરિશ્ચંદ્ર, રાજા રંતિદેવ, દધીચિ જેવા પવિત્ર મહાનુભાવોએ સત્ય અને ધર્મ ખાતર સર્વસ્વનું બલિદાન આપવાની તૈયારી રાખી હતી.
માણસ કરવા જેવું ન ભૂલે અને ન કરવા જેવું સદંતર ત્યજે એવો વિવેક કેળવે તો આજીવન પ્રામાણિક રહી શકે. આજીવન પ્રામાણિક રહેવું અશક્ય નથી એ વાત અનેક વિભૂતિઓ, સંતો અને પવિત્ર ગૃહસ્થોએ જીવનમાં યથાર્થ કરી બતાવી છે. એ સ્વીકારવા તૈયાર હોય એવા મહાન આત્માઓ જ આજીવન પ્રામાણિક રહી શકે.
આજનો માણસ સદાચાર ભૂલ્યો છે એટલે વિશ્વમાં દુરાચારીઓની મોટી ફોજ વકરી અને વધી રહી છે. અંદરથી અને બહારથી બન્ને રીતે જે શાન્ત, પ્રસન્ન, વિવેકશીલ, વૈરાગૃયનિષ્ઠ અને માણસાઈનો ઉપાસક રહેવા તત્પર હોય તે પ્રામાણિક રહી શકે, હર એક વ્યક્તિના શરીરમાં એક આત્મા છે અને એ આત્મા જ સત્ય છે અને એ જ સત્ય પરમાત્મા સુધી લઇ જાય છે. એટલે કે વ્યક્તિના અંદર રહેલી આત્મા હંમેશા સત્યાર્થ વિષે તમને સાચા અને ખોટનો ભેદ જત કરાવશે એકવાર જન્મથી વાત કરી લેજો જવાબ અવસ્થ મળશે… આભાર…. જયહિંદ
પ્રામાણિકતાનો માર્ગ કાંટાળો છે, અત્યંત કઠિન છે, ત્યાગ અને સમર્પણ તથા સહિષ્ણુતા માગે છે.
ચિંતક :- જિગ્નેશ એમ.કંડોળીયા
